પાન્ડા મદદ કરી શકે છે. તમારા માટે અથવા તમારા ઓળખીતા માટે ફોન કરો.
નવા માતાપિતા બન્યા છો અથવા બાળક આવવાનું છે? તમારી લાગણીઓ વિષે ચિંતિત છો?

માનસિક સ્વાસ્થ્ય તપાસ-સૂચિ
માનસિક સ્વાસ્થ્ય તપાસ-સૂચિ
આ સૂચિ એવા પ્રશ્નો પુછે છે જે તમે કેવું અનુભવી રહ્યા છો અને શું તમારી માનસિક સુખાકારી માટે તમને વધુ ટેકો મળતાં ફાયદો થશે કે કેમ તે વધુ સારી રીતે સમજવામાં તમને મદદ કરી શકે છે.
પાન્ડા વિષે
પાન્ડા પેરીનેટલ ચિંતા, હતાશા અને પ્રસ્તુ પછીના મનોવિકારથી અસરગ્રસ્ત લોકો માટે અને માતાપિતા બનવામાં પડકારોનો સામનો કરી રહેલા લોકો માટે ઓસ્ટ્રેલિયાની એકમાત્ર નિષ્ણાત સહાય સેવાનું સંચાલન કરે છે.
અમે આ ગંભીર અને સામાન્યરૂપે જોવા મળતી બિમારી વિષે પણ જાગૃતિ લાવી રહ્યા છીએ જેથી અસરગ્રસ્ત લોકો સમજી શકે કે તેમને શું થઇ રહ્યું છે અને મદદ માંગી શકે.
“જ્યારે હું તેનાથી પીડીત હતો ત્યારે એવું લાગ્યું કે મને ક્યારેય સારું નહિં થાય. પણ મને સારું થઇ ગયું.”
દુભાષિયા ઉપલબ્ધ છે
જે લોકો અંગ્રેજી નથી બોલી શક્તા અથવા મૂક-બધિર છે તેમના માટે પાન્ડામાં દુભાષિયાઓની મદદ ઉપલબ્ધ છે.
“મારું બાળક જન્મે તે પહેલાં પણ આવું થઇ શકે છે એવું મને કોઇએ નહોતું કહ્યું!”
મદદ ક્યારે મેળવવી
ગર્ભવતી હોવું અથવા નવા માતાપિતા બનવું એ ઉત્તેજક અને પડકારરૂપ બંને હોઇ શકે છે. ફેરફારો સાથે મેળ સાધવામાં (એડજેસ્ટ થવામાં) થોડી મુશ્કેલી પડવી સ્વાભાવિક છે.
જોકે, જો સામાન્ય ઉતાર-ચઢાવ કંઇક વધુ ગંભીર બને અને બે અઠવાડિયા અથવા તેથી વધુ સમય સુધી ચાલે
ત્યારે મદદ મેળવવાનો સમય આવી ગયો છે એમ સમજવું.
પેરીનેટલ ચિંતા અને હતાશા સામાન્ય છે
દર પાંચમાંથી એક અપેક્ષિત અથવા નવી માતા અને દસમાંથી એક અપેક્ષિત અથવા નવા પિતા પેરીનેટલ ચિંતા અથવા હતાશાનો અનુભવ કરશે. તે ગર્ભવાસ્થા દરમ્યાન (એન્ટીનેટલ - પ્રસૂતિ પૂર્વે) અથવા જન્મ પછીના પહેલા વર્ષ (પોસ્ટનેટલ - પ્રસૂતિ પછી) દરમ્યાન થઇ શકે છે. ‘પેરીનેટલ’ શબ્દ ગર્ભાવસ્થા અને જન્મ પછીના એક વર્ષ બંનેનો ઉલ્લેખ કરે છે.
“મને મારા જીવનસાથીની ચિંતા છે પણ તે મારી સાથે વાત નહિં કરે.”
પ્રસૂતિ પછીનો મનોવિકાર
પ્રસૂતિ પછીનો મનોવિકાર એક ભાગ્યે થતી પરંતુ ગંભીર બીમારી છે જે દર ૧૦૦૦ માંથી એક કે બે નવી માતાને અસર કરે છે અને માતા અને બાળક બંનેને જોખમમાં મૂકી શકે છે. તેમાં લગભગ હંમેશા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. લક્ષણો ઘણીવાર અચાનક જ શરૂ થાય છે અને અતિશય મિજાજ બદલાવો, વર્તનમાં નોંધપાત્ર ફેરફાર થવો અને વાસ્તવિક્તા
સાથે સંપર્ક ગુમાવવોનો સમાવેશ થાય છે.
“હું દુનિયાની સૌથી ખરાબ મા છું.”
પાન્ડા કઇ રીતે મદદ કરી શકે
જો તમે નવા માતાપિતા બન્યા છો અથવા બનવાના છો, તમારી પોતાની અથવા કોઇ ઓળખીતાની ભાવનાત્મક અથવા માનસિક સુખાકારી વિષે ચિંતિત છો - તો મદદ મેળવવી મહત્વપૂર્ણ છે. જેટલી જલ્દી સહાય મેળવશો તેટલું જલ્દી તમને સારું લાગશે.
પાન્ડાની રાષ્ટ્રીય પેરીનેટલ માનસિક આરોગ્ય સહાય રેખા નવા માતાપિતા બનેલાઓને અને બાળક આવવાનું હોય તેવા બધાને નિ:શુલ્ક સલાહ પરામર્શ અને સહાય પ્રદાન કરે છે.
અમારા અત્યંત પ્રશિક્ષિત અને સંભાળકર્તા ટેલિફોન સલાહકારો તમારી ચિંતાઓ સાંભળશે અને સાજા થવા માટે પ્રથમ પગલાં લેવામાં તમારી મદદ કરશે.
“મારી લાગણીઓ વિષે જો હું કોઇની સાથે વાત કરીશ તો તેઓ વિચારશે કે હું ખરાબ વાલી છું.”
આના વિષે વાત કરવી ઉત્તમ છે
પેરીનેટલ ચિંતા અને હતાશા એ આરોગ્યની ગંભીર સ્થિતિ છે. તે કોઇ પણ નવા અથવા અપેક્ષિત માતાપિતાને અસર કરી શકે છે. તેમાં શરમાવા જેવું કશું જ નથી. તેના વિષે વાત કરી શકાય છે. હકીકતમાં તમે તે કરો તે વધુ સારું છે!
તમારા સંઘર્ષો વિષે બીજાઓને કહેવું અથવા તમને મદદની જરૂર છે તે સ્વીકારવું, એ નબળાઈની નિશાની નથી. તે દર્શાવે છે કે તમે, તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ ઇચ્છો છો.
“મને હતું કે મને તરત જ મારા બાળક સાથે પ્રેમ થઇ જશે પરંતુ મારાથી તેની સામે જોવાતું પણ નથી.”
બાળકના જન્મ પહેલાં અને પછી (પેરીનેટલ) અનુભવાતી ચિંતા અને માનસિક ઉદાસિનતાના લક્ષણો
લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થઇ શકે છેે:
- ઉદાસ, ખિન્ન અનુભવવું અથવા વગર કારણે રડવું આવવું
- સતત, દરેક બાબતની ચિંતા રહેવી, મોટાભાગે તમારા બાળકના આરોગ્ય અથવા સુખાકારીના વિષયમાં બીક લાગવી
- ગભરાટ, ‘અત્યંત ઉશ્કેરાટ’ અથવા ભયભીત રહેવું
- જલ્દીથી અકળાઇ અથવા ચીઢાઇ જવું
- મિત્રો અને કુટુંબીજનોથી અળગા રહેવું
- તમારું બાળક ઊંઘતું હોય ત્યારે પણ ઊંઘ આવવામાં તકલીફ પડવી
- ઓચિંતો મિજાજ બદલાવો
- સતત થાક અને અશક્તિ લાગવી
- શારીરિક લક્ષણો જેવા કે ઉલ્ટી, ઉબકા, શરીર ઠંડું હોવા છતાં પરસેવો થવો, ભૂખ ન લાગવી
- સામાન્ય રીતે તમને આનંદ આપતી વસ્તુઓમાં ઓછો રસ પડવો અથવા સહેજ પણ ન પડવો
- એકલા હોવાની અથવા બીજાની સાથે હોવાની બીક લાગવી
- ધ્યાન કેન્દ્રિત કરવામાં, એકાગ્રતા જાળવવામાં અથવા યાદ રાખવામાં મુશ્કેલી પડવી
- દારૂ અથવા નશીલા પદાર્થો વધુ લેવા
- ધ્રાસ્કો પડવો (ઝડપી ધબકારા, હ્રદયના ધબકારાનો અસામાન્ય પ્રવેગ, શ્વાસ લેવામાં તકલીફ, ધ્રુજવું અથવા આસપાસની વસ્તુઓથી ભૌતિક રીતે અળગા થઇ ગયા હોય તેવો અનુભવ થવો)
- (ભૂત, ભ્રમ ઇ.)નું વળગણ (બાધ્યતા) અથવા જબરદસ્તીથી
અમુક વર્તન કરવું જ પડે (મનોગ્રસ્તિ) તેવું વર્તન શરૂ કરવું - મૃત્યુ, આત્મહત્યા અથવા તમારા બાળકને નુક્સાન પહોચાડવાના વિચારો
અહીં નોંધવામાં ન આવ્યા હોય તેવા પણ ઘણા લક્ષણો છે. જો તમે કે તમારું નજીકનું કોઇ વ્યક્તિ, કોઇ પણ લક્ષણો અથવા તમને ચિંતા થતી હોય તેવી લાગણીઓ બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી અનુભવી રહ્યા હોવ તો, કૃપા કરી મદદ મેળવો.
“શું બધા જ નવા માતાપિતા બનેલાઓને આટલું ડરામણું લાગે છે?”
અમારી નિ:શુલ્ક રાષ્ટ્રીય પેરીનેટલ માનસિક આરોગ્ય સહાય રેખાને ફોન કરો
ફોન ૧૩૦૦ ૭૨૬ ૩૦૬
સોમવાર - શુક્રવાર સવારે ૯થી - સાંજે ૭.૩૦ પૂર્વી ઓસ્ટ્રેલિયાના સમય મૂજબ ∕ પૂર્વી ઓસ્ટ્રેલિયાના ઉનાળાના સમય (ડે લાઇટ સેવિંગ ટાઇમ) મુજબ
પાન્ડા (PANDA)ની રાષ્ટ્રીય સહાયરેખા તમારી ભાષા સહિત ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે.
જ્યારે તમે PANDA સહાયરેખાને ફોન કરો ત્યારે, વિકલ્પ "૧" દબાવશો, જેથી અમને ખબર પડે કે તમારે દુભાષિયાની જરૂર છે.
તમારા ફોનનો જવાબ આપવામાં આવે પછી શું થશે:
અંગ્રેજી બોલતાં એક કાઉન્સેલર તમારા ફોનનો જવાબ આપશે. અમારે તમારી પસંદગીની ભાષા જાણવાની જરૂર હશે - તમારી ભાષાનું નામ કહેવા સિવાય તમારે અંગ્રેજી બોલવાની જરૂર નથી.
PANDA એક દુભાષિયાની વ્યવસ્થા કરશે અને જ્યારે તે ઉપલબ્ધ થશે, ત્યારે અમે તમને સહાય કરવાની પ્રક્રિયા શરૂ કરીશું.
જો દુભાષિયો ઉપલબ્ધ ન હોય તો, અમે તમને વળતો ફોન કરીશું.
જો તમારે તાત્કાલિક મદદની જરૂર હોય તો ત્રણ શૂન્ય (૦૦૦)ને અથવા સ્થાનિક હોસ્પિટલના તત્કાળ વિભાગ (ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ)ને ફોન કરો.
જો તમારે PANDA સહાય સમય સિવાયના સમયમાં મદદની જરૂર હોય તો, લાઇફલાઇનને ૧૩ ૧૧ ૧૪ પર ફોન કરો.